રથયાત્રા

રથયાત્રા તે ભગવાન જગન્નાથ, બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિંદુ તહેવાર છે, જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે. ભગવાન જગન્નાથનું મુળ મંદિર ઓરિસ્સાનાં જગન્નાથ પુરી શહેરમાં આવેલું છે.

હરરોજ ભક્તોએ ભગવાનનાં દર્શન કરવા ભગવાન પાસે જવું પડે છે, પરંતુ રથયાત્રાનાં દિવસે ભગવાન સ્વયં સામે ચાલીને પોતાના ભક્તો પાસે જાય છે.

જગન્નાથજી મંદિરનો 400 વર્ષ જુનો ઇતિહાસ

આશરે ચારસો વર્ષ પહેલાં રામાનંદી સંત શ્રી હનુમાનજીદાસજીએ શહેરના જમાલપુર ખાતે આવેલ જગન્નાથજીના મંદિરમાં ગાદીની સ્થાપના કરી હતી. તેમના બાદ ગાદીએ આવેલા સારંગદાસજીએ જગન્નાથજી, બળદેવજી અને દેવી સુભદ્રાજીની મૂર્તિઓ મંગાવીને સ્થાપના કરાવી ત્યારથી જ આ મંદિર ‘જગન્નાથજીની મંદિર’ તરીકે ખ્યાતિ પામ્યું. ત્યારબાદ બાલમુકુંદદાસજી આવ્યા અને તે પછી નરસિંહદાસજી આવ્યા.

અમદાવાદમાં રથયાત્રા

ઈ.સ. 1978માં આ મંદિરના મહંત નરસિંહદાસજીએ પ્રથમ વખત રથયાત્રા યોજી હતી. ત્યારે તો એ નાના પાયે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ ધીમે ધીમે એનો વ્યાપ વધ્યો અને રથયાત્રા અમદાવાદના જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગઇ છે. લોકમુખે સાંભળવા મળે છે કે, મહંત નરસિંહદાસજીને સ્વપ્નમાં ભગવાન જગન્નાથજી આવ્યા અને તેમણે રથયાત્રાની શરૂઆત કરાવી.

પ્રથમ વખત બળદગાડામાં ભગવાન નીકળ્યા હતા નગરયાત્રાએ 

1978થી શરૂ થયેલી રથયાત્રામાં પરંપરા મુજબ રથ ખેંચવાનું કાર્ય ખલાસ કોમના ભાઇઓ સાચી શ્રદ્ધાથી દર વર્ષે કરે છે. મહંત નરસિંહદાસજી જ્યારે પ્રથમવાર રથયાત્રા કાઢેલી ત્યારે ભગવાનને બળદગાડામાં બિરાજમાન કરવામાં આવ્યા હતાં. સમય પસાર થતો ગયો તેમ-તેમ રથયાત્રા અતિ જાણીતી થવા લાગી અને ધીમે-ધીમે આ યાત્રામાં મોર્ડન બની ગઈ. આજે રથયાત્રામાં અનેક લોકો ભજન મંડળી, ગજરાજ, અખાડાના કરતબો, બેન્ડવાજાં, સાધુસંતોની મોટી ફોજ રથયાત્રામાં જોડાય છે. 

જય રણછોડ માખણચોરના ગગનભેદી નાદ સાથે રથયાત્રાનો થાય છે પ્રારંભ

અષાઢી બીજની વહેલી સવારે ચાર વાગ્યે નિજ મંદિર ખાતે ભગવાનની પૂજા આરતી થાય છે. ત્યારબાદ સાડા ચાર વાગ્યે જગતના નાથને ભોગ ધરાવાય છે. આ ભોગમાં ખીચડી, કોળું અને ગવારફળીનું શાક અને દહીં ધરાવવામાં આવે છે. એ ભોગવિધિ પછી ત્રણેય ભગવાનને તેમના અલગ અલગ રથો પર લઈ જવાય છે અને સાત વાગ્યે પહિંદ વિધિ થયા બાદ જગતના નાથ નગરયાત્રાએ નીકળે છે

કેવી રીતે નીકળે છે જગન્નાથ રથયાત્રા

ભગવાન જગન્નાથ, તેમના ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્રાને જગન્નાથ મંદિરથી રથમાં બેસાડી ગુંડિચા મંદિર લઇ જાય છે. કહેવામાં આવે છે કે ગુંડિચા મંદિર ભગવાન જગન્નાથની માસીનું ઘર છે.  ભગવાન જગન્નાથનો રથ સૌથી પાછળ હોય છે. આ રથ પર સોનની ઝાડૂં  લગાવીને રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવે છે. આ દરમિયાન પારંપરિક વાદ્ય યંત્રોના નાદ સાથે સેંકડો લોકો ત્રણ વિશાળ રથોને ખંચતા જોવા મળે છે. 

સૌથી પહેલા ભગવાન જગન્નાથના ભાઇ બલભદ્રનો રથ પ્રસ્થાન કરે છે બાદમાં બહેન સુભદ્રાનો રથ અને અંતે ભગવાન જગન્નાથનો રથ નીકળે છે. માનવામાં આવે છે કે રથ ખેંચવો ખુબ જ સૌભાગ્યશાળી અને શુભ હોય છે. રથ ખેંચનાર વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. નગર ભ્રમણ બાદ સાંજે ત્રણેય રથોને ગુંડિચા મંદિર પહોંચાડવામાં આવે છે. અને ત્ચારબાદ બીજા દિવસે ભગવાન રથથી ઉતરીને મંદિરમાં પ્રવેશ કરે છે અને ત્યાં 7 દિવસ રહે છે

Source : vtv gujrati

Published by Mrs Bhatt

દુનિયા ને હૃદય થી જોવી ને આંખો ના પલકારે માણવી

2 thoughts on “રથયાત્રા

Leave a reply to Yogesh D Cancel reply

Design a site like this with WordPress.com
Get started